ગુગલ ભારતમાં ૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે

ડિજિટલ ઇન્ડિયા માટે આગામી ૫-૧૦ વર્ષમાં ૭૫૦૦૦ કરોડનું રોકાણ કરીશુ : સુંદર પિચાઇ

149

ન્યુ દિલ્હી
ગુગલ દ્વારા આયોજિત છઠ્ઠાં ગુગલ ફોર ઈન્ડિયા ઇવેન્ટ ૨૦૨૦નું પ્રથમ વખત વર્ચુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટની શરૂઆત ગુગલ ઈન્ડિયાના વડા સંજય ગુપ્તાએ કરી હતી. તેમણે કહ્યું કે ગુગલ ભારતમાં એટલું સ્માર્ટ થઈ ગયું છે કે તે ચોવીસ કલાક અગાઉથી હવામાનની સચોટ આગાહી કરી શકે છે. સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કોરોના વિશે બે અબજથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું હતું જેનો જવાબ ગુગલે આપ્યો છે. આ ઇવેન્ટમાં ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ ભારત માટે મોટી જાહેરાત કરી છે.

ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે ગુગલ ડિજિટલ ઇન્ડિયા માટે આગામી ૫-૧૦ વર્ષમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. ગુગલનું રોકાણ ઇક્વિટી રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ ઉદ્યોગમાં હશે. ગુગલે ઇ-લર્નિંગના વિસ્તરણ માટે સીબીએસઇ સાથે ભાગીદારીની પણ ઘોષણા કરી છે. તેમણે માહિતી આપી કે ઈન્ટરનેટ સાથેનો ઉપયોગ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ડિજિટલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

પિચાઈએ કહ્યું કે માત્ર બે અઠવાડિયામાં જ ગુગલ-પે દ્વારા પીએમ કેર્સ ફંડમાં ૧૨૦ કરોડ રૂપિયા જમા થયા છે. પિચાઈએ કહ્યું કે ભારતમાં ૨૬ કરોડ નાના અને મધ્યમ ઉદ્યોગો ગુગલ પર શોધી શકાય છે. સંદેશાવ્યવહાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકરે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં એપ્લિકેશન ડેવલપમેન્ટનું બજાર વધુ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં ઘણી એપ્લિકેશન ડાઉનલોડ થાય છે, પરંતુ હવે એપ્સ અપલોડ કરવાનો સમય છે.

Share This: