
મુંબઇ
સતત ૬ દિવસની શેરબજારની તેજીને ગુરૂવારે અંતિમ સેશનમાં બ્રેક લાગી છે. શેરબજાર આજે ગગડીને બંધ આવ્યું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨૮ અંક અથવા ૦.૩૮ ટકા ગગડીને ૩૩,૯૮૦ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૩૨ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા ઘટીને ૧૦,૦૨૯ નજીક સેટલ થયા છે.
આ સિવાય બેંક નિફ્ટી પણ ૫૫૦ અંક પટકાઈને ૨૦,૩૯૦ નજીક બંધ આવ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૬ ટકા અને ૦.૦૫ ટકા ઘટીને સેટલ થયા છે. આ સિવાય વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર રિયાલિટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર્સમાં મંદ વલણ જોવા મળ્યું હતું. જ્યારે ઓટો, મેટલ, પાવર સેક્ટર વધીને બંધ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૧૨૮૭ શેર્સમાં તેજી અને ૧,૧૩૨ શેર્સમાં મંદી જોવા મળી છે. ઉપરાંત ૧૫૬ શેર્સ ફેરફાર વગર રહ્યા છે.
રૂપિયાની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા ગગડીને ૭૫.૫૭ પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા બુધવારે ડોલર સામે રૂપિયો ૭૫.૪૬ પર ખુલ્યો હતો. આ સિવાય ગુરૂવારે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે. કોરોના મહામારીના સંકટ, ચીન-અમેરિકા ટ્રેડ વોર અને અન્ય વૈશ્વિક અને સ્થાનિક મુદ્દાઓના કારણે આજે રોકાણકારોમાં ચિંતાનો માહોલ સર્જાતા વેચવાલી જોવા મળી છે.