દિવ્યાંગો માટે ITI ડી.ટી.પી. (કોમ્પ્યુટર)ના નિ:શુલ્ક કોર્ષમાં પ્રવેશ શરૂ

વિકલાંગ, મૂકબધિર માટે રોજગારીની સુવર્ણ તક

248
Admission Started For Disabled in Free ITI DTP Course-suratheadlines

સુરત
ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત આઇ.ટી.આઈ. ફોર ડિસેબલ્ડ દ્વારા વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર)નો ટ્રેડ ચલાવવામાં આવે છે. જેમાં શારીરિક ક્ષતિ ધરાવતા-અપંગ અને મૂકબધિર દિવ્યાંગોને વિનામુલ્યે તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. તાલીમ સાથે અદ્યતન હોસ્ટેલમાં વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા અને અભ્યાસ સામગ્રી પણ આપવામાં આવે છે.

આ કોર્સમાં જોડાવા ઈચ્છતા દિવ્યાંગો https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન એડમિશન ફોર્મ ભરી શકે છે, તેમજ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ, શ્રી સાંઈ સમર્થ રેસિડેન્સીની બાજુમાં, શારદાયતન સ્કૂલની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે, ઉમરા ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૩:૦૦ કલાક દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાથી ફોર્મ ભરવાની વ્યવસ્થા છે.

ફોર્મ ભરતા સમયે તમામ જરૂરી ઓરિજનલ પ્રમાણપત્રો જેવા કે, દિવ્યાંગતાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ધો. ૮,૯,૧૦ પાસનું રિઝલ્ટ, પ્રથમ પ્રયાસનું પ્રમાણપત્ર (૧૦ પાસ માટે), આવકનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, આધારકાર્ડ, બેન્ક પાસબુક, પાસપોર્ટ સાઈઝનો ફોટો ફોર્મ સાથે જોડવાના રહેશે. તાલીમ બાદ આ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી માટે સંસ્થા દ્વારા મદદ કરવામાં આવશે. તાલીમાર્થીઓને ભારતમાં શૈક્ષણિક પ્રવાસે પણ વિનામુલ્યે લઈ જવામાં આવે છે.

નોંધનીય છે કે, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંસ્થા દિવ્યાંગોને શિક્ષણ સાથે તાલીમ આપી પગભર થવાની સકારાત્મક તક આપે છે. જેના લીધે અનેક દિવ્યાંગો અને તેમના વાલીઓને એક આગવો આધાર મળ્યો છે. આ સંસ્થા થકી અનેક દિવ્યાંગો વિવિધ ક્ષેત્રમાં આગળ વધ્યા છે. સંસ્થા દ્વારા દિવ્યાંગોની વિકલાંગતાનું નિ:શુલ્ક ઓપરેશન કરીને તેમને શારીરિક રીતે સક્ષમ થવામાં મદદરૂપ થવાં સાથે વ્હીલચેર, ટ્રાયસિકલ, ઘોડી, કેલિપર્સ, વોકર જેવા સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: