સીબીએસઇ ૧૫ જૂલાઇ સુધીમાં જાહેર કરશે ધો.૧૦-૧૨નું પરિણામ

43

ન્યુ દિલ્હી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) તેમજ ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશ (આઈસીએસઈ)એ બોર્ડની પરીક્ષાનું પરિણામ ૧૫ જુલાઈના રોજ જાહેર કરવાનું જણાવ્યું છે. સીબીએસઈ બોર્ડ એક્ઝામના કંટ્રોલર શ્યામ ભારદ્વાજે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને પગલે સીબીએસઈના ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓની બાકી રહેલા વિષયોની પરીક્ષા રદ કરવાં આવી છે.

હવે બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ વૈકલ્પિક મૂલ્યાંક પદ્ધતિ દ્વારા જાહેર કરાશે. ધો. ૧૨ના વિદ્યાર્થીઓને પરિસ્થિતિમાં સુધારા બાદ પરીક્ષા આપીને તેમનો સ્કોર વધારવા માટેનો વિકલ્પ આપવામાં આવશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષામાં હાજર રહ્યા હોવાનો વિકલ્પ પસંદ કરશે તેમના ગુણ અંતિમ રહેશે તેમ ભારદ્વાજે એક પરિપત્રમાં જણાવ્યું હતું.

સીબીએસઈના ધો.૧૦ના બોર્ડના વિદ્યાર્થીઓને હવે પછી પરીક્ષા આપવાનો વિકલ્પ નહીં મળે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલું તેમનું પરીણામ અંતિમ રહેશે. ધો.૧૦ના વિદ્યાર્થીઓનું છેલ્લી ત્રણ પરીક્ષાના ગુણને આધારે સરેરાશ મૂલ્યાંકન કરી માર્ક આપી પરિણામ જાહેર કરાશે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર અને સીબીએસઈ બાકીની બોર્ડની પરીક્ષાઓ રદ કરીને પરિણામ જાહેર કરવાની યોજાનાને મંજૂરી આપી હતી. જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સીબીએસઈને કોરોનાકાળમાં બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ રદ કરવાનું જાહેરનામું જાહેર કરવા મંજૂરી આપી હતી. કેન્દ્ર તેમજ સીબીએસઈ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતા જણાવ્યું હતું કે બાકી રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીએ આપેલી છેલ્લી ત્રણ પરીક્ષાના માર્ક્સને આધારે ગુણ ફાળવવામાં આવશે. સીબીએસઈ અને આઈસીએસઈએ કોર્ટને જણાવ્યું હતું કે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ જુલાઈ મધ્યમાં જાહેર કરી દેવાશે.

Share This: