કોરોના માર્ગદર્શિકાને અનુસરી વિદ્યાર્થીઓએ કર્યો શાળામાં પ્રવેશ

શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

41
Commencement of Educational Work in Schools in Surat-suratheadlines

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલીની વામદોત હાઈસ્કૂલમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કર્યું

કોરોના મહામારીએ સમાજને પરસ્પર મદદરૂપ થવાની ભાવના શીખવાડી : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી

સુરત
કોરોના મહામારીના નવ મહિનાઓથી બંધ પડેલી શાળાઓમાં હવે ફરીથી શિક્ષણકાર્યનો પ્રારંભ થયો છે, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલીની શ્રી એમ.બી.વામદોત સાર્વજનિક હાઈસ્કૂલમાં ઉપસ્થિત રહી ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનું ફૂલોથી સ્વાગત કરી આવકાર્યા હતાં. વિદ્યાર્થીઓએ શાળામાં ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો હતો.

લાંબા સમયગાળા બાદ શાળાએ શરૂ કરેલાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બદલ અભિનંદન પાઠવતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ૨૨મી માર્ચ, ૨૦૨૦ના રોજ ‘જનતા કર્ફ્યુ’ તેમજ તા.રપમી માર્ચ, ૨૦૨૦ થી અમલી બનેલા ‘લોકડાઉન’ના કપરા સમયને ક્યારેય ભૂલી શકાય એમ નથી. વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષાઓ પણ કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા હેઠળ લેવાઈ અને પરિણામો પણ અપાયા હતાં.

કોવિડ-૧૯ ની વિષમ પરિસ્થિતિને યાદ કરતા તેમણે કહ્યું કે, કોરોના મહામારીએ સમાજને પરસ્પર મદદરૂપ થવાની ભાવના શીખવાડી છે. તેમણે વિદ્યાર્થીઓને સૈનિક ગણાવી માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સિંગને તેમના હથિયાર હોવાનું જણાવ્યું હતું. કોરોના અને ત્યારબાદ બોર્ડની પરીક્ષાના યુદ્ધનો સામનો કરવા માટે તૈયાર થવાનું આહ્વાન કરતાં તેમણે કહ્યું કે, સરકાર દ્વારા અમલી SOP નું પાલન કરી શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા સાથે ઉજ્જવળ કારકિર્દી ઘડવા અને સ્વસ્થ નાગરિક બની દેશને વિકાસના માર્ગે અગ્રેસર કરવાં અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ શાળાની શિક્ષણકાર્ય, સુરક્ષા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થાની પણ માહિતી મેળવી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વામદોત સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા પ્રત્યેક વર્ગખંડને સેનિટાઇઝ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થા કરાઈ હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવી શિક્ષણકાર્યમાં જોડાયાં હતાં.

Share This: