૧૧ મી જાન્યુઆરીથી ધો. ૧૦-૧૨ તથા PG, UG ના છેલ્લાં વર્ષોના વર્ગો થશે શરૂ

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

45
From 11th January Std. 10-12 and Last Year Classes of PG, UG Will Start-suratheadlines

કેન્દ્ર સરકારની SOP નું ચુસ્ત પણે પાલન કરવું પડશે,

રાજ્યના તમામ બોર્ડને નિયમ લાગુ પડશે,

ગાંધીનગર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા-વિચારણા કરી રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૧ મી જાન્યુઆરીથી ધોરણ ૧૦-૧૨ તથા PG, UG ના છેલ્લાં વર્ષોના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરાઈ છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ૧૧ મી જાન્યુઆરીથી ધોરણ ૧૦-૧૨ તથા PG, UG ના છેલ્લાં વર્ષોના વર્ગો શરૂ કરવામાં આવશે. રાજ્યના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઈન એઈડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે.

વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તે માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. શાળામાં આવનાર વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઈ સંમતિપત્રકમાં આપવાની રહેશે. તે માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યાં છે.

હાલ ચાલી રહેલી ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં. જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલાં જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવાશે. અન્ય ધોરણના વર્ગો પર પણ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં તેના પર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. તેમ શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Share This: