અક્ષયની ‘સૂર્યવંશી’ દિવાળીમાં અને રણવીર સિંહની ‘૮૩’ ક્રિસમસ પર થશે રિલીઝ

9

મુંબઈ
લોકડાઉનને કારણે બોલિવૂડની બિગ ફિલ્મ ‘સૂર્યવંશી’ તથા ‘૮૩’ રિલીઝ કરવામાં આવી નહોતી. જો કે, હજી પણ પરિસ્થિતિ પહેલાં જેવી સામાન્ય થઈ નથી. થિયેટર હજી પણ બંધ જ છે. જો કે, મલ્ટીપ્લેક્સે આ બંને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ જાહેરાત પ્રમાણે, રોહિત શેટ્ટી તથા અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ દિવાળી પર એટલે કે ૧૩ નવેમ્બરના રોજ રિલીઝ થશે જ્યારે કબીર ખાનની ‘૮૩’ ક્રિસમસ પર એટલે કે ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે. આ બંને ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે પ્રોડ્યૂસ કરી છે. બોલિવૂડ હંગામાએ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ગ્રુપના સીઈઓ શિબાશીષ સરકાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, બંને ફિલ્મ દિવાળી તથા ક્રિસમસ પર રિલીઝ થશે. તેઓ બંને ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવા ઈચ્છતા હતાં. તેમને આશા છે કે દિવાળી તથા ક્રિસમસ સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.

નોંધનીય છે કે લોકડાઉન બાદ પહેલી જ વાર હિંદી ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમાર તથા કેટરીના કૈફની ફિલ્મ ‘સૂર્યવંશી’ ૨૪ માર્ચે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ કેટેગરીની આ ચોથી ફિલ્મ છે. આ પહેલાં રોહિતે અજય દેવગન સાથે ‘સિંઘમ’ તથા ‘સિંઘમ રિટર્ન્સ’ અને રણવીર સિંહ સાથે ‘સિમ્બા’બનાવી હતી. ‘સૂર્યવંશી’માં અજય દેવગન તથા રણવીર સિંહ પણ જોવા મળશે.

રોહિત શેટ્ટીએ લોકડાઉનમાં જ સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં અને જ્યારે પણ થિયેટર ફરીવાર ખુલશે ત્યારે જ આ ફિલ્મ રિલીઝ થશે. અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ ચૌહાણ’ દિવાળી પર રિલીઝ થવાની હતી. આ ફિલ્મને યશરાજ પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ હજી બાકી છે અને તેથી જ હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે નહીં. કબીર ખાનની ‘૮૩’ ભારતે પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે.

Share This: