કૂલી નંબર-૧ આવતા વર્ષે ૧ જાન્યુઆરી, ૨૦૨૧માં કરાશે રિલીઝ

મુંબઈ
કોરોના મહામારીને કારણે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણરીતે અસ્ત વ્યસ્ત થઇ ગઈ છે. અમુક ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે તો અમુક ફિલ્મ પૂરી થઇ ગઈ હોવા છતાં રિલીઝ થઇ શકી નથી. હવે બધા મેકર્સ ઓટીટી(ઓવર ધ ટોપ) પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે અથવા તો ફિલ્મની રિલીઝ આવતા વર્ષ માટે પોસ્ટપોન કરી રહ્યા છે. અજય દેવગણની ફિલ્મ મૈદાન પછી વરુણ ધવન સ્ટારર કૂલી નંબર ૧ પણ આવતા વર્ષે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઘણા દિવસોથી એવા રિપોટ્‌ર્સ હતા કે સારા અલી ખાન અને વરુણ ધવનની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

મેકર્સ આ માટે સહમત નથી. બોલિવૂડ હંગામાની એક રિપોર્ટ અનુસાર ફિલ્મના મેકર્સે હાલમાં જ એક મીટિંગ રાખી હતી. તેમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને ચર્ચા કરવામાં આવી. બધાની સહમતીથી ફિલ્મને આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રિપોર્ટ મુજબ ફિલ્મ ૧ જાન્યુઆરી, ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવશે. કૂલી નંબર ૧ ફિલ્મ અગાઉ ૧ મેના રિલીઝ થવાની હતી પણ લોકડાઉનને કારણે રિલીઝ અટકાવી દેવામાં આવી. આ સિવાય અજય દેવગણની મૈદાન ફિલ્મ પણ આવતા વર્ષ ઓગસ્ટ સુધી ધકેલાઈ ગઈ છે. હાલની સ્થિતિ અનુસાર અન્ય ફિલ્મ્સ પણ આવતા વર્ષે ધકેલાઈ શકે તેવી સંભાવના છે.

Share This: