અનુરાધા જ્વેલર્સના સોનીએ કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થઈ જતાં આમોદ પંથકમાં ખળભળાટ

સોનુ ગીરવે મુકનાર અનેક લોકો પાયમાલ બનતાં આમોદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

55
Commotion in Amod Due to Case of Fraude With The People-suratheadlines

ભરૂચ
આમોદ નગરમાં મેઈન બજારમાં આવેલ એક સોનીએ લોકોની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થઈ જતાં આમોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમોદ પોલીસે સોનુ ગીરવે મુકનાર તથા દાગીના બનાવવા માટે એડવાન્સ રૂપિયા આપનાર ગ્રાહકોની ફરિયાદ નોંધી ફરાર સીનીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં મેઈન બજારમાં આવેલી અનુરાધા જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવનાર કલ્પેશ અમૃત સોની સાત વર્ષથી આમોદમાં દુકાન ધરાવે છે. કલ્પેશ સોની પાસે અનેક લોકોએ સોનાના દાગીના બનાવવા માટે એડવાન્સ રૂપિયા આપ્યા હતાં. તેમજ કેટલાક લોકોએ દાગીના ગીરવે મુક્યા હતાં. જેનું ફુલેકુ ફેરવી કલ્પેશ અમૃત સોની ઘણાં સમયથી ફરાર થઈ જતાં આમોદના દરબારી રોડ પાસે રહેતાં બશીર મજલેસાબ રાણાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બશીર રાણાએ તેમની પત્ની હમીદાબેન માટે સોનાનો એક હાર તથા પુત્રવધુ અનિશાબેન માટે સોનાના બે હાર મળી કુલ ત્રણ હાર બનાવવા માટે કલ્પેશ સોનીએ પોતાના ઘરે બોલાવ્યો હતો. જે સવા અગિયાર તોલાના સોનાના દાગીના બનાવવા માટે ઓર્ડર આપી પુત્રવધુ અનિશાબેનના એસ.બી.આઈ.એકાઉન્ટમાંથી ગૂગલ પે થી રૂપિયા ૭૦,૦૦૦ કલ્પેશ સોનીના ખાતામાં નાંખ્યા હતાં. જ્યારે બીજા એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ૨૮ જુલાઈના રોજ દાગીના આપી જવાનો કલ્પેશ સોનીએ વાયદો કર્યો હતો. પરંતુ તે નિર્ધારિત તારીખે દાગીના આપી ન જતાં બશીર રાણાએ તેના મોબાઈલ ઉપર વારંવાર ફોન કરવા છતાં તેનો ફોન સ્વિચ ઓફ બતાવતો હતો. તેમજ તેની દુકાન પણ ઘણાં સમયથી બંધ રહેતા તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઉપરાંત આમોદ તાલુકાના ગામડાના લોકોના પણ લાખો રૂપિયાના દાગીના ગીરવે મુકનાર અનેક લોકોએ આમોદ પોલીસ મથકે ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી હતી. આમોદ પોલીસે પણ અનેક લોકોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થઈ જનાર કલ્પેશ સોનીએ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેની તપાસ આમોદના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.ક્રિશ્ચિયન ચલાવી રહ્યા છે.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: