CM રૂપાણીના પાંચ વર્ષ પૂર્ણ થયાની રાજ્યભરમાં કરાશે ઉજવણી

ઓગસ્ટ માસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ વર્ષ થશે પૂર્ણ

99
Completion of 5 Year of CM Rupani Will Be Celebrated Across The Gujarat-suratheadlines

સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોની કરાશે ઉત્સાહભેર ઉજવણી,

સુરત
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થકી રાજ્યના નાગરિકોને વિવિધ યોજનાઓ હેઠળ લાભ થયો છે. રાજ્યને મુખ્ય મંત્રીનું નેતૃત્વ મળ્યે ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે આ નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના-સૌના સાથ, સૌના વિકાસના” અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો સાથે રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાના નિર્ણય સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

આ અવસર વિશે જણાવતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા કહે છે કે, “સૌના સાથ, સૌના વિકાસ” થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત સુશાસનના પાંચ વર્ષની જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો-સેવાઓને વધુ સઘન બનાવાશે અને વિવિધ ફ્લેગ શીપ યોજનાઓનો વ્યાપ પણ વધારાશે. એટલુ જ નહીં, વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને રાજ્યભરમાં આ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમોની વિગતો આપતા પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, આગામી તા.૧લી ઓગષ્ટ રવિવારના રોજ ‘જ્ઞાનશક્તિ દિવસ’ અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તે જ રીતે ૨જી ઓગષ્ટ સોમવારે સેવા સેતુ કાર્યક્રમના આયોજન થકી ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે.

તા.૪થી ઓગષ્ટે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે. તા.૫મી ઓગસ્ટે સમગ્ર રાજયમાં કિસાન સૂર્યોદય યોજના ‘સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને ‘કિસાન સન્માન દિવસ’ ના કાર્યક્રમો યોજાશે.

રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો સાથે તા.૬ઠી ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યકમોની ઉજવણી થશે. તા.૭મી ઓગસ્ટે ‘વિકાસ દિવસ’ અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી અવિરત વિકાસની પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઈ જવાશે. તા.૮મી ઓગસ્ટે ‘શહેરી જન સુખાકારી દિન’ અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા.૯મી ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અનેક વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: