કોરોના હવે ગામડાં ભણી, શહેરો ખાલી, ગામડાં હિજરતીઓથી ઉભરાયાં

278

અમદાવાદ
કોરોનાનો કહેર આગળ વધે તે પહેલા જ રાજ્યભરમાં લોકડાઉનના પગલે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોની સરહદો સીલ કરી દેવામાં આવી હતી પરંતુ દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત સાથે જ મહાનગરો અને નગરોમાં રહેતા લાખો શ્રમજીવીઓ અને મધ્યમ વર્ગના પરિવારોએ રાતોરાત હિજરત કરીને વતન તરફ દોટ મૂકતા મહાનગરો ખાલી ખમ થઇ ગયાં છે પરંતુ ગામડાઓ હવે શહેરમાંથી આવેલા લોકોથી ઉભરાઇ રહ્યાં છે.

મહાનગરોનો વાયરસ ગામડાઓમાં પણ ન પ્રસરે તે માટે છેલ્લા ચાર પાંચ દિવસથી પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આવાં હિજરતી પરિવારોની યાદી બનાવવામાં આવી છે. તેમજ ગામડાઓમાં પણ લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. લોકડાઉન કરાતાં રિવર્સ માઇગ્રેશન એટલે કે શહેરોથી ગામડાઓ તરફ લોકોનું પ્રયાણ વધ્યું છે.

હાલ મુંબઇ, સુરત, અમદાવાદ, દિલ્હી, વડોદરા સહિતના શહેરોમાંથી અનેક પરિવારો ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં વતન પરત આવી રહ્યા છે. જેને લઇ ગામડાઓમાં પણ ઉચાટ વધ્યો છે. જાકે, કોરોના સંક્રમણનું જાખમ હોઇ ગામડાં પણ પોતપોતાની રીતે સજાગ બન્યાં છે.

સુરતમાંથી સૌથી વધુ લોકો હિજરત કરીને આદિવાસી પટ્ટીના જિલ્લાઓ તેમજ મધ્યમ વર્ગના લોકો ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતના સૌરાષ્ટ્રમાં આવેલા પોતાના વતનમાં પહોંચી ગયાં છે. એક અંદાજ મુજબ સુરતમાંથી દોઢ લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રના પોતાના વતન પહોંચી ગયાં છે.

Share This: