ગોધરા LCB એ ફિલ્મીઢબે વિદેશી શરાબ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો

128
Godhra LCB Caught The Massive Quantity of Foreign Liquor and Beer-suratheadlines

પંચમહાલ
ગોધરા એલ.સી.બી. પોલીસ અને શરાબના જથ્થા સાથે પુરઝડપે આવી રહેલ કારને ઝબ્બે કરવા માટે ગોધરા-દાહોદ હાઈવે ઉપર સર્જાયેલા દિલધડક પીછો કરતા દ્રશ્યોના અંતે ગોધરા એલ.સી.બી. પોલીસએ સેવરોલેટ કારમાંથી અંદાજે ૨.૬૪ લાખ રૂપિયાના વિદેશી શરાબ અને બિયરની ૪૪ પેટીઓ સાથે ૪.૬૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સરહદી રાજ્યોની બોર્ડરો ઉપરથી ગુજરાતમાં શરાબનો જથ્થો ઘુસાડવાના બુટલેગરોના આ વ્યાપાર સામે સતર્ક રહેવાના પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના આદેશોના અમલમાં ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ.કે.પી.જાડેજાને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની જી.જે.૦૫. સી.આર.૩૯૭૮ નંબરની સેવરોલેટ ક્રુઝ કાર વિદેશી શરાબનો જથ્થો ભરીને લીમખેડા હાઈવે ઉપરથી સંતરોડ રોડ તરફ આવી રહી છે.

બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. શાખાના પી.એસ.આઈ.આઈ.એ. સીસોદીયા અને સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ગોધરા-દાહોદ હાઈવે ઉપર સંતરોડ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી. શરાબના જથ્થા સાથે પુરઝડપે આવી રહેલ આ કારના ચાલકે પોલીસ તંત્રની નાકાબંધી જોઈને તુરંત જ યુ-ટર્ન મારીને રોંગ સાઈડે ભાગવાની શરૂઆત કરતા ગોધરા એલ.સી.બી. શાખાએ આ ગાડીને આંતરવા માટે પીછો કર્યો હતો.

દિલધડક સર્જાયેલા રેસના દ્રશ્યોમાં શરાબના જથ્થા સાથેના કારચાલકે પોલીસ તંત્રથી બચવા માટે સાલીયા કટ પાસેથી પુનઃ દાહોદ રોડ ઉપર ગાડી દોડાવ્યા બાદ સાલીયા ઓવર બ્રિજ ઉતરીને જમણી તરફ આવેલ હોટલ પાસેથી સાલીયા જૂની રેલ્વે ફાટક તરફના સાંકડા રસ્તે પુરઝડપે દોડતી હતી અને પોલીસ તંત્રના વાહનોના આ પીછાથી છટકવા માટેના આ મરણીયા પ્રયાસો વચ્ચે સાલીયાના તલાવડી ફળીયા પાસે આ ગાડી બેકાબુ બનીને અમરસિંહ પઢીયારના ખેતરમાં ઉતરીને સાગના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા સેવરોલેટ કારનો ચાલાક ખેતરોમાંથી ભાગી છૂટ્યો હતો. જો કે ગોધરા એલ.સી.બી.એ દિલધડક પીછો કરીને આંતરેલી આ કારમાંથી વિદેશી શરાબ અને બિયરની ૪૪ પેટીઓનો જંગી જથ્થો ઝડપી પાડીને બુટલેગર ચહેરા સુધી પહોંચવા માટે કાયદેસર આગળ કાર્યવાહી હાથ ધરી છે.

મોહસીન દાલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, પંચમહાલ.

Share This: