CM ભુપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી સાથેની મિટિંગમાં લીધા આ મહત્વના નિર્ણયો, જાણો..

134
Gujarat-Important Decisions Taken in Meeting of CM and MOS Home-suratheadlines

ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લીધા છે.

મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણયો અનુસાર રાજ્યના ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે. ત્યાં તા.રપ/૯/ર૦ર૧ ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે.

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: