યુવાનોને પાયલોટના અભ્યાસ માટે લોન, જાણો સંપૂર્ણ માહિતી…

‘કોમર્શિયલ પાયલોટ યોજના’ હેઠળ ૪ ટકા વ્યાજના દરે રૂ.૨૫ લાખની લોન મળવાપાત્ર

72
Gujarat-Loan For Pilot Training to Youth of State-suratheadlines

સુરત
યુવાનોના સપનાઓને પાંખ આપવા માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. જે અંતર્ગત અનુસુચિત જાતિની કલ્યાણકારી યોજનાઓમાં સમાવિષ્ટ ‘કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોનું પાયલોટ બની આકાશની ઊંચી ઉડાનના સપનાઓ પૂરા કરવા માટે ૪ ટકા વ્યાજના દરે રૂ.૨૫ લાખની લોન મળી શકે છે.

યોજનાનો લાભ મેળવવા કોમર્શિયલ પાયલટ લાઈસન્સની તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારે મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારોએ કોઈ પણ આવકમર્યાદાના પુરાવા વિના અનુસુચિત જાતિ કલ્યાણ કચેરી, સુરત ખાતે અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીને જિલ્લા કક્ષાએથી ભલામણ સહ e-samajkalyan.gujarat.gov.in પર નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ, ગાંધીનગરને મંજૂરી માટે મોકલવવામાં આવશે.

અરજી સમયે ઉમેદવારે નિયત નમૂનાનું અરજીપત્રક, જાતિ અંગેનો દાખલો-શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કલરફોટો, રેશનકાર્ડ, વિદ્યાર્થીનું સોગંદનામું (અસલ), પિતા/વાલીના વ્યવસાય અંગેની વિગત, જ્યાં અભ્યાસ કરવાનો હોય તેની વિગત, ફિટનેસ અંગેનો મેડિકલ સર્ટી., બે જામીનદાર, જામીનખત (સ્ટેમ્પ પેપર ઉપર- જામીનદારના એક-એક ફોટો, જામીનદારના રૂ.૨૫ લાખ + રૂ.૨૫ લાખના વેલ્યુએશન સર્ટી. અસલ રજૂ કરવા.), તાલીમ આપનાર સંસ્થાનો મંજૂરીપત્ર, પ્રવેશ આપવા અંગેનું સંમતિપત્ર, પાસપોર્ટની પ્રમાણિત નકલ, અરજદારના સંબંધી વિદેશમાં રહે છે કે કેમ? તેની વિગત, લોન ભરપાઈ કરવા અંગે પાત્રતાનો દાખલો, વિઝાની પ્રમાણિત નકલ, સહીના ગુજરાતી/અંગ્રેજી ત્રણ-ત્રણ નમુના, તમામ શરતો માન્ય છે તે બાબતનો સ્વીકૃતિપત્ર (સ્ટેમ્પ પેપર ઉપર), આર્થિક સદ્ધરતા અંગે બાંહેધરી આધારસહ રજૂ કરવાની રહેશે.

વધુ વિગતો અને યોજનાના અમલીકરણ માટે નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર કચેરીનો સંપર્ક કરી શકાશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: