
અમદાવાદ
લોકડાઉન વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે સતત લોકો ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે. આવામાં લોકડાઉન વચ્ચે અમદાવાદમા પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો છે. પોલીસની ટીમ ગોમતીપુરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ઘટના બની છે.
હાલ રાજ્યભરની ટીમ સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરીંગ કરી રહી છે કે, કોઈ લોકડાઉનનું ભંગ તો નથી કરી રહ્યું છે. આવામાં ગોમતીપુર વિસ્તારમા સીસીટીવી સર્વેલન્સમા ખ્યાલ આવ્યો કે લોકોના ટોળા ભેગા થયા છે.
આવો મેસેજ ગોમતીપુર પોલીસને મળ્યો હતો. જેના આધારે ગોમતીપુર પોલીસની એક ટીમ ટોળા વિખેરવા ત્યાં પહોંચી હતી. ત્યારે પોલીસ દ્વારા ૪ લોકોની અટકાયત કરતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામા એક કોન્સ્ટેબલને ફ્રેક્ચર થયું છે. આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.