કોરોના બાદ જૂન-જુલાઇમાં મેલેરિયાનો ઉપદ્રવ વધવાની શક્યતા

આખું તંત્ર કોરોનામય થતા ખોરવાઈ રૂટીન કામગીરી

205

અમદાવાદ
શહેરમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઇ ચૂકેલાં કોરોના વાયરસનાં કેસ ઘટાડવા અનેક પ્રકારે પ્રયાસો થઇ રહ્યાં છે, તેમ છતાં કોરોનાનાં પોઝિટિવ અને લક્ષણ વગરનાં કોરોનાનાં કેસ ઘટવાનું નામ લેતા નથી તે જોતાં આગામી જૂન-જુલાઇમાં મચ્છરનો ઉપદ્રવ વધવા માંડશે ત્યારે નાગરિકોનાં જીવનું જોખમ વધી શકે છે તેમ મ્યુનિ.નાં હેલ્થ ખાતાનાં સૂત્રોએ સ્વીકાર્યુ હતું. મ્યુનિ.હેલ્થ ખાતાનાં સત્તાવાર સૂત્રોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અત્યારે આખું તંત્ર કોરોનામય બની ગયું છે અને તેના કારણે તમામ ખાતાની રૂટીન કામગીરી પણ ખોરવાઇ ગઇ છે. કોરોના વાયરસ માટે નિષ્ણાતોની આગાહી એવી છે કે, મે મહિનાં અંતમાં અને જૂન મહિનામાં કોરોનાના કેસ ચરમસીમાએ પહોંચશે. તે સિવાય પણ કોરોનાની કોઇ દવા કે રસી ન હોવાથી કોરોના દેશભરમાંથી નેસ્તનાબૂદ થાય તેવી કોઇ શક્યતા નથી.

એટલે કે આગામી મહિનાઓ અને વર્ષો સુધી કોરોનાનાં કેસ નોંધાયા કરશે તેવું જાહેર આરોગ્ય સાથે સંકળાયેલાં તમામ માની રહ્યાં છે. બીજી બાજુ જૂનમાં વરસાદનાં આગમનની આગાહી થઇ ચૂકી છે અને અમદાવાદની વાત કરીએ તો જૂનનાં અંતમાં કે જુલાઇનાં પ્રારંભે વરસાદની શરૂઆત થતી હોય છે. વરસાદ પડવાની સાથે જ મેલેરિયા અને ડેન્ગ્યુને વકરાવતાં મચ્છરોનો ઉપદ્રવ શરૂ થશે. તેનાથી વર્તમાન સંજાગોમાં એક અલગ પ્રકારની સમસ્યા કે મુંઝવણ ઉપસ્થિત થશે તેવી માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં એક બાજુ કોરોનાનો કહેર ચાલુ રહેશે અને બીજી બાજુ મચ્છરજન્ય તાવનાં કેસો વધવાની શરૂઆત થશે.

તે સમયે સામાન્ય તબીબ પણ મેલેરિયાનો તાવ હશે તો પણ કોરોનાનાં ભયથી કોઇ જોખમ લેશે નહિ અને દર્દીને કોરોના ટેસ્ટ માટે આગ્રહ કરી શકે છે. તેના કારણે દર્દીને પણ મનમાં ભય પેદા થશે અને કોરોના ટેસ્ટ કરાવવા સહિતનાં ખર્ચમાં વધારો થશે. બીજી બાજુ જો ફેમિલી ફિઝિશિયન તેમને ત્યાં આવનારા પેશન્ટને સાદો તાવ સમજીને દવા કરે અને પેશન્ટને લક્ષણ વગરનો કોરોના હોય તો કેવા પ્રકારની સમસ્યા સર્જાઇ શકે તે પણ વિચારવા જેવો મુદ્દો છે તેમ જણાવતાં સૂત્રોએ કહ્યું કે, આમ પણ ઉંમરલાયક વ્યક્તિ કે અન્ય બીમારી હોય તેવા કોઇને પણ ડેન્ગ્યુ જીવલેણ સાબિત થાય છે અને તેવી જ રીતે કોરોના પણ ઘાતક પૂરવાર થાય છે, તે જોતાં ડેન્ગ્યુ કે મેલેરિયાનાં કેસમાં કોરોના વાયરસ કેવી અસર દર્શાવશે તે બાબતે મ્યુનિ.નાં કોઇ સત્તાધીશો-અધિકારીઓએ વિચાર્યું જ નથી.

Share This: