વીજપુરવઠો વારંવાર ગુલ થવાના આક્રોશ સામે સત્તાધીશો પણ ગુમ જેવા દ્રશ્યોમાં

ગુજરાત M.G.V.C.L.કચેરીમાં યુવા ખેડૂતોએ તાળાબંધી કરી તમામ ફીડરોના વિજ પ્રવાહને "સ્વીચ ઓફ" કરી દેવાના "હાઈ વોલ્ટેજ ડ્રામા"માં ૬ કલાક સુધી વિજ પ્રવાહ બંધ

64
Massive Protest Against The Frequent Power Outages at Kalol-suratheadlines

પંચમહાલ
કાલોલ તાલુકામાં વારંવારના વિજ ધાંધીયા સામે એમ.જી.વી.સી.એલ. કંપનીના બે જવાબદાર વહીવટ અને ઉડાઉ જવાબોથી છેલ્લા એક સપ્તાહથી ભારે પરેશાન થઈ ગયેલા રાબોડ, મલાવ પંથકના યુવાન ખેડૂતોના જનઆક્રોશનો સમૂહ આજ સવારના અંદાજે ૧૧ કલાકે કાલોલ સ્થિત મુખ્ય કચેરી ખાતે “જય જવાન જય કિસાન”ના નારાઓ સાથે પહોંચ્યા બાદ કાલોલ શહેર સમેત જી.આઈ.ડી.સી.અને ૫૦ જેટલા ગામડાઓમાં વિજ પ્રવાહ સપ્લાય કરતા ફીડરોની સ્વીચો બંધ કરીને કચેરીને તાળાબંધી કરીને ધરણાં ઉપર બેસી જવાના અત્યંત ચોંકાવનારા આ બનાવના અંતે વિજ કંપનીના ઉચ્ચ સત્તાધીશો અને જિલ્લા વહીવટી તંત્રના સત્તાધીશો વચ્ચે યોજાયેલ બેઠકના “હાઈ વોલ્ટેજ ડ્રામા” ના અંતે ૬ કલાકો બાદ વિજ પ્રવાહ શરૂ થવા પામ્યો હતો.

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝન દરમિયાન એમ.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીએ છાસવારે સર્જાતા વિજ ધાંધિયાઓથી પરેશાન ગામલોકો અને ખેડૂતોનો સોમવારે એમ.જી.વી.સી.એલ. કચેરી ખાતે જન આક્રોશ ભભુકી ઉઠયો હતો. એમ.જી.વી.સી.એલ.તંત્રની લાલીયાવાડી સામે સોમવારે ફુટી નીકળેલા આ જનઆક્રોશને પગલે ખેડૂતોએ એમ.જી.વી.સી.એલ.કચેરી ખાતે પહોંચી જનઆંદોલન સ્વરૂપે એમ.જી.વી.સી.એલ. કચેરીની તાળા બંધી કરી દીધી હતી.

Massive Protest Against Frequent Power Outages at Kalol-suratheadlines

તદુપરાંત એમ.જી.વી.સી.એલ. કચેરીએથી સપ્લાય કરવામાં આવતા કાલોલ જી.આઈ.ડી.સી. અને કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ ફીડરોનો વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો. જેને પગલે સોમવારે દિવસભર કાલોલ જી.આઈ.ડી.સી., કાલોલ શહેર અને કાલોલ તાલુકા સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ શટડાઉન થતાં સમગ્ર એમ.જી.વી.સી.એલ. તંત્ર દોડતું થયું હતું. આ જનઆક્રોશ મામલે કાલોલ એમ.જી.વી.સી.એલ. કચેરી ખાતે એકત્ર થયેલા તાલુકાના મલાવ, મેદાપુર, અલવા, રાબોડ, તરવડા, કંડાચ, ડેરોલગામ, સાગાના મુવાડા સહિત અનેક તાલુકાના ગામ લોકોએ એકત્ર થઈને એમ.જી.વી.સી.એલ. તંત્રની લાલીયાવાડી સામે ભારે રોષ પ્રગટ કર્યો હતો.

સમગ્ર મામલે ગ્રામજનો અને ખેડૂતોના જણાવ્યા મુજબ એમ.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીને કારણે પ્રિમોન્સૂન કામગીરીની લાપરવાહીએ જરૂરી વિજ લાઈનો સાફ નહિ કરાતાં સામાન્ય વરસાદના પગલે પણ છાસવારે વીજ પુરવઠો ડુલ થઈ જતા અનેક ગામોમાં અંધારપટ છવાઈ જાય છે. જેના નિરાકરણ માટે એમ.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા જવાબ આપવાની તસ્દી લેતા નથી. વધુમાં છેલ્લા ઘણા વર્ષોથી રાત્રિના સમયે ફરિયાદ માટેનો ફોનનું રિસિવર બાજુમાં મૂકી વિજ કર્મચારીઓ આરામ ફરમાવતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે.

Massive Protest Against The Frequent Power Outages in Kalol-suratheadlines

તદુપરાંત મલાવ, અલવા અને રાબોડ ગામમાં પાછલા સાત દિવસોથી ચોવીસ કલાક સહિત ખેતીવાડીનો વીજ પુરવઠો બંધ હાલતમાં જોવા મળતો હોવાની તમામ સમસ્યાઓની વેદના જણાવી હતી. જેથી કાયમી સમસ્યાઓના નિવારણ માટે એમ.જી.વી.સી.એલ. તંત્ર વિરુદ્ધ જન આંદોલન કરી એમ.જી.વી.સી.એલ. કચેરીની તાળાબંધી કરી ઔધોગિક એકમો સહિતના તમામ ફીડરો બંધ કરાવી દીધા હતા.

કાલોલ એમ.જી.વી.સી.એલ.ના શટડાઉનને પગલે એમ.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીઓ સહિત કાલોલ મામલતદાર, કાલોલ પોલીસ, કાલોલ જી.આઈ.ડી.સી., સ્થાનિક નેતાઓ સહિત સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બધા તંત્ર અને જવાબદાર અધિકારીઓએ વીજ પુરવઠો યથાવત કરવા માટે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાઓનું કાયમી નિરાકરણ લાવવામાં નહિ આવે ત્યાં સુધી સમગ્ર સ્થાન છોડવાની અને સમગ્ર એમ.જી.વી.સી.એલ.નો વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેવો‌ જન આક્રોશ ભભુકી ઉઠતા સાંજ સુધી કોઈ સમાધાનનો માર્ગ નહીં દેખાતા તંત્રની હાલત કફોડી બની હતી.

કાલોલ પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો પરંતુ ખેડૂતોની માંગણી અને પ્રશ્નો અને અહિંસક આંદોલન હોવાથી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થયેલ ન હોતી. આ લખાય છે ત્યાં સુધી એમ.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે. ખેડૂતોના વીજ પુરવઠો બંધ કરાવી દેવાના કારણે સમગ્ર કાલોલમાં બેન્કિંગ તેમજ દવાખાના અને આસપાસની જી.આઈ.ડી.સી.ના કેટલાય કારખાનાઓ બંધ થઈ જવા પામ્યા હતા અને કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. કાલોલના ઘણા બધા નાગરિકોએ ખેડૂતોના આ પગલાને પોતાનો ટેકો જાહેર કર્યો હતો તેમ છતાં કાલોલની ઘણી બધી હોસ્પિટલમાં લાઈટના અભાવે હાલાકી સર્જાઈ હતી.

કાલોલમાં સરકારી કચેરીઓ, બેંકો, હોસ્પિટલો અને ફેકટરીઓની સેવાઓને પણ થઈ અસર

કાલોલ એમ.જી.વી.સી.એલ. કચેરીના અંધારપટ જેવા વહીવટ સામે ઊભા થયેલા આજના સ્વંયભુ જેવા આક્રોશના પગલે ત્રણ દિવસોની રજાઓ બાદ આજ રોજ કાર્યરત બનેલ સરકારી કચેરીઓ, બેંકો અને હોસ્પિટલોમાં પણ અંધારપટના પગલે તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ હતી. તો કાલોલ કચેરીના તાબા હેઠળ આવેલા ઔદ્યોગિક ગ્રહોમાં પણ અચાનક વિજ પુરવઠો બંધ થઈ જવાની પરેશાનીઓમાં પરસેવે રેબઝેબ બનેલા ફેકટરીઓના સંચાલકો પણ કાલોલ એમ.જી.વી.સી.એલ.કચેરીમાં દોડી આવ્યા હતા.

જો કે કાલોલ પંથકમાં અંધારપટ સર્જનારા યુવા ખેડુતોના સ્વંયભુ આક્રોશને શાંત પાડવા માટે ગોધરા એમ.જી.વી.સી.એલ. કચેરીના એસ.ઈ. સંજય વર્મા અને પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતની મધ્યસ્થી બાદની ચર્ચાઓના અંતે ૬ કલાકો બાદ વિજ પુરવઠો કાર્યરત થયો હતો.

મોહસીન દાલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, પંચમહાલ.

Share This: