રસ્તાઓના ભારે ધોવાણના કારણે ઊંડા ખાડા પડતા વાહનચાલકો હાલાકીમાં

218
Motorists in Risk Due to Deep Pits by Heavy Erosion of Roads-suratheadlines

ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરના માર્ગો બિસ્માર બનતા વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ ૬૫ ઇંચ જેટલો વરસાદ નેત્રંગ તાલુકામાં પડ્યો છે. ભારે વરસાદના કારણે નેત્રંગ તાલુકામાં રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારથી મારૂતીધામ અને કેલ્વીકુવા ગામને જોડતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે. એક-એક ફુટ ઉંડા ખાડા પડી ગયા છે.

વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે. તેવા સંજોગોમાં રોડ-રસ્તાના નિર્માણની કામગીરીમાં ભારે ગોબાચારી થયાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે. બીજી તરફ એક-એક ફુટ ઉંડા ખાડા પડવા છતાં જવાબદાર લોકોને ખાડા પુરવાની અને સમારકામ કરવાની કંઇ જ પડી નથી તેવું લાગી રહ્યું છે. તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ-સમારકામ થાય તેવી જરૂરિયાત જણાઇ રહી છે.

રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.

Share This: