
રાજકોટ
શહેરમાં કોરોનાને કારણે જનતા કર્ફ્યુ વચ્ચે મોડી રાતે આજીડેમ પાસે માંડા ડુંગર નજીક ભીમરાવનગરમાં હત્યાની ઘટના બની હતી. ગત વર્ષે એપ્રિલ મહિલનામાં ટ્રાફિક વોર્ડન ઇશ્વર ભરતભાઇ મકવાણાએ પોતાના પિતા, ભાઇઓ સાથે મળી પોતાની સગીર બહેનની છેડતી કરનાર મુરારી કેશુભાઇ મકવાણાની હત્યા કરી હતી. આ ગુનામાં ભરતભાઇ અને ત્રણ પુત્રો ઇશ્વર, આશિષ અને પ્રફુલ જેલહવાલે થયા હતાં. જે પૈકી ભરતભાઇ અને બે પુત્રો આશિષ તથા પ્રફુલ આઠ મહિના પહેલા જામીન પર છૂટ્યા હતાં. સુત્રધાર ઇશ્વર હજુ જેલમાં છે. ભાઇની હત્યાનો બદલો લેવા ઇશ્વર કેશુભાઇ મકવાણાએ બે મિત્રો સાથે મળી જામીન પર છૂટેલા ભરતભાઇ ગત રાતે છાસ લેવા નીકળ્યા ત્યારે તેમની પત્નીની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી તેમજ પથ્થરોના ઘા પણ માર્યા હતા.
માંડાડુંગર પાસે ભીમરાવનગર ઢાળીયા પાસે રહેતાં અને છૂટક મજૂરી કરતાં ભરતભાઇ નાથાભાઇ મકવાણા (ઉ.વ.૪૯) રાત્રે ૧૧.૧૫ વાગ્યે ઘરેથી નજીકની દુકાને છાસ લેવા નીકળ્યા હતી. ત્યારે ઘર નજીક પહોંચ્યા તે વખતે ત્રણેક શખ્સોએ છરીથી હુમલો કરી પછાડી દઇ પથ્થરના ઘા ફટકાર્યા હતાં અને ત્રણેય ભાગી ગયા હતાં. દેકારો થતાં ઘરની ડેલીએથી ભરતભાઇના પત્ની નિર્મળાબેન તથા પુત્રો તેમજ બીજા લોકો દોડી આવ્યા હતાં. ભરતભાઇને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહીં મૃતદેહ જ પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ દોડી ગઇ હતી અને ત્રણેય શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૧૩૫ (૧), એટ્રોસીટી ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધ્યો હતો.