સુરતમાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા માટે અરજીઓ મંગાવાઈ

ભારત સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા 'ખેલો ઈન્ડિયા યોજના' હેઠળ ભારતભરમાં ૧૦૦૦ જેટલા 'ખેલો ઈન્ડિયા સેન્ટર' શરૂ કરવામાં આવનાર છે

119
Applications Are Invited For Starting Khelo India Center in Surat-suratheadlines

સુરત
ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારતભરમાં ૧૦૦૦ ખેલો ઈન્ડિયા સેન્ટરો શરૂ કરવા માટે યોજના અમલમાં મુકવામાં આવી છે.

આગામી “ઓલિમ્પિક-૨૦૨૪” ને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએ શરૂ થઈ રહેલા આ સેન્ટરમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઈટ લિફ્ટીંગ, કુસ્તી જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ખેલો ઈન્ડિયા સેન્ટર’ માં વધુમાં વધુ ત્રણ રમતો, તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા, અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે.

‘ખેલો ઈન્ડિયા સેન્ટર’ માટે પ્રત્યેક રમત દીઠ એક વખત શરૂઆતની સહાય રૂપિયા પાંચ લાખ મળવાપાત્ર થશે. ત્યાર બાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન, રમતના નવા સાધનો ખરીદ કરવા, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ વગેરે માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખની સહાય પણ સરકાર દ્વારા પુરી પડાશે.

ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર સુરત જિલ્લામા ‘ખેલો ઈન્ડિયા સેન્ટર’ શરૂ કરવા અંગે ભૂતપૂર્વ વિજેતા ખેલાડી કે જેઓ રમતનું પ્રશિક્ષણ આપતા હોય, કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઈવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એશોસીએશન હેઠળ

(૧) આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય,
(ર) સિનિયર નેશનલ ટુર્નામેન્ટ તથા ‘ખેલો ઈન્ડિયા ગેમ્સ’માં મેડલ મેળવેલ હોય,
(૩) ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં મેડલ વિજેતા હોય,
(૪) સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય, અથવા ઓલ ઈન્ડિયા ગેમ્સમાં ભાગ લીધેલ હોય, કે જેઓની ઉંમર ૪૦ વર્ષથી નીચે હોય તેવા ખેલાડીઓ, તથા પાંચ વર્ષથી વધુ સમયથી રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સ્પોર્ટ્સ એકેડેમી/સંસ્થાઓ/શાળાઓ પોતાની દરખાસ્ત (વધુમાં વધુ ત્રણ રમતો માટે) મોકલી શકે છે.

આ અંગેની વિગતવાર અરજી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુની કોટ બિલ્ડીંગ,પહેલો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે તા.૨૬/૫/૨૦૨૧ ના બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાની રહેશે. આ અંગેનુ અરજી ફોર્મ nsrs.khelbindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન મેળવી શકાશે, તેમ રમત-ગમત અધિકારી સુરતની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Share This: