સુરત રિજિયન માટે ૯૩,૫૦૦ ડોઝ વેક્સિનનો જથ્થો સુરત પહોંચ્યો

આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું

59
Doses of Covid Vaccine For Surat Region Reached Surat-suratheadlines

સુરતમાં તા.૧૬મીથી પ્રાથમિક તબક્કામાં ૨૨ કેન્દ્રો પરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ

સુરત
સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદાં-જુદાં શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે આજે સુરત ખાતે સિરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની ‘કોવિશિલ્ડ’ વેક્સિન સુરત આવી પહોંચતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. સુરત રિજીયનમાં આવતા સુરત મહાનરગપાલિકા, સુરત જિલ્લો, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સામૂહિક ૯૩,૫૦૦ ડોઝનો જથ્થો આજે નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટર ખાતે સ્ટોર કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મંત્રીશ્રી કાનાણીએ જણાવ્યું હતું કે, આપણી અપેક્ષા, આકાંક્ષાઓ અને આતુરતાનો આજે અંત આવ્યો છે. સ્વદેશી બનાવટની રસી આવી છે તે ગૌરવની વાત હોવાનું જણાવીને રસીથકી કોરોના સામે જંગ લડવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર અને મનપા તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પૂરતાં પ્રમાણમાં આઈ.એલ.આર.-(આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર, સ્ટોરેજ કેપેસિટી, વેક્સિનેટર, તાલીમબદ્ધ સ્ટાફ સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. તા.૧૬ મી જાન્યુ.થી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત સુરતમાં પણ રસીકરણ પ્રક્રિયા શરૂ કરાશે.

સુરત મ્યુ.કમિશનરશ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં રજિસ્ટર્ડ થયેલાં સરકારી તેમજ પ્રાઈવેટ હેલ્થકેર વર્કર મળીને ૩૭૦૦૦ જેટલા કર્મચારીઓની પ્રારંભિક ધોરણે તા.૧૬મી જાન્યુઆરીથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ પહેલા તબક્કામાં કોરોના વોરિયર્સ ત્યારબાદ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુની વયના નાગરિકોને વેકિસન ડોઝ આપવામાં આવશે. છેલ્લાં અગિયાર મહિનાથી લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા. જેની આતુરતાનો અંત આજે આવ્યો છે એમ શ્રી પાનીએ ઉમેર્યું હતું.

Corona Vaccine Reacherd Surat-suratheadlines Corona Vaccine at New Civil-suratheadlines

કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રારંભિક તબક્કામાં શહેરના ૨૨ વેક્સિનેશન સેન્ટર પરથી રસીકરણનો શુંભારભ કરાશે. ત્યારબાદ વધુ જથ્થો આવ્યેથી શહેરમાં બનાવવામાં આવેલા ૫૦૮ રસીકરણ કેન્દ્ર પરથી તબક્કાવાર રસીકરણ હાથ ધરાશે. જેમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને રસી આપ્યા બાદ ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને રસી અપાશે. સમગ્ર રસીકરણ અભિયાન માટે ૩૫૦૦ આરોગ્ય કર્મચારીઓને નિયુક્ત કરાયા છે હોવાની વિગતો તેમણે આપી હતી.

જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલે જણાવ્યું કે, જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રસીકરણથી સુરતના નાગરિકોને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે.

આ વેળાએ સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી મુકેશ પટેલ, ઝંખનાબેન પટેલ, અરવિંદ રાણા, વિનુભાઈ મોરડીયા, વિ.ડી.ઝાલાવાડીયા, પ્રવિણ ઘોઘારી, સંગીતાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી, આરોગ્યના અધિકારી-કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This: