દશેરાના પર્વે CM ભુપેન્દ્ર પટેલે સુરતને આપી કરોડોના વિકાસકામોની ભેટ

સુરત મનપા અને સુડાના રૂ.૧૭૨ કરોડના વિકાસ પ્રકલ્પોનું CM ના હસ્તે કરાયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

78
Dussehra-CM Bhupendra Patel Gave Gift of Development Works to Surat-suratheadlines

ભક્તિ-શક્તિ અને વિજયના પર્વ એવા દશેરાના દિને મુખ્યમંત્રીએ શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની આપી ભેટ,

માંડવી અને મહુવા ખાતે કુલ રૂ.૬૦.૨૯ કરોડના ખર્ચે સાકાર થનાર ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ આદર્શ નિવાસી શાળાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-ભૂમિપૂજન,

સુરત શહેર-જિલ્લામાં રૂ.૫.૫૪ કરોડના ખર્ચે ૬ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ,

૧૬ એમ્બ્યુલન્સને ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન,

કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ તેમજ રાજ્યના મંત્રીઓ રહ્યા ઉપસ્થિત,

સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, શક્તિ અને વિજયના પર્વ એવા દશેરાના દિને સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સુખાકારી માટે કોઈ વહીવટી ગુંચ ન પડે અને તેમના કામ ઝડપથી થાય તેવા જનહિત કાર્યો કરવાની આ સરકારની નેમ છે. મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર ખભેખભા મિલાવીને શહેરો નગરોના વિકાસની ગતિને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ સમારોહમાં જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન અમેરિકા જેવા દેશોની હાલત પણ કફોડી બની હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માર્ગદર્શન આપીને સમગ્ર ભારતને કોરોનાની મહામારીમાંથી બહાર લાવીને વિકાસની ગતિને અટકવા દીધી નથી.

સુરત શહેરે હર હંમેશા લોકોની વચ્ચે રહીને આમ આદમીના પ્રશ્નોને વાચા આપી છે. આ શહેરે કુદરતી આફતો કે મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરીને વિકાસની ગતિને આગળ લઈ જવા માટે નમૂનારૂપ કાર્ય કર્યું છે. સુરતના વિકાસમાંથી અન્ય જિલ્લાઓ પણ પ્રેરણા લે તેવી હિમાયત તેમણે કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, વિકાસની જે નવતર ઊંચાઈ ગુજરાતે નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં હાંસલ કરી છે તેનું આગવું દ્રષ્ટાંત કેવડીયા જેવા આદિજાતિ અંતરિયાળ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિથી સૌને પૂરું પડ્યું છે.

કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂશોત્તમભાઈ રૂપાલાએ આ વેળાએ જણાવ્યું કે, સુરતએ પોતાના આત્મબળે આગળ વધેલું શહેર છે. જ્યારે જ્યારે સુરત શહેર પર આફતો આવી છે. ત્યારે ત્યારે શહેરીજનોએ મક્કતમા પૂર્વક સામનો કરી ડબલ વેગથી આગળ વધ્યું છે. સુરત શહેરે કાપડ અને ડાયમંડ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ બનાવી છે. સુરત શહેર વધુને વધુ તેજ ગતિથી આગળ વધે તેવી શુભકામના તેમણે વ્યક્ત કરી હતી.

મહાનગરપાલિકાના અંદાજીત રૂા.૪૨.૪૫ કરોડના ખર્ચે સાકારિત થનાર કચ્છ જિલ્લાના સુખમાણ ગામ ખાતે રોહા નખત્રાણા સાઈટ ખાતે ૬.૩ મેગા વોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ તથા રૂા.૩૨.૫૦ કરોડના ખર્ચેના શાળાના મકાન, ફાયર સ્ટેશન, આંગણવાડી મળી કુલ રૂા.૭૪.૯૫ કરોડના ખર્ચના વિકાસકામોનું લોકાર્પણ તથા રૂા.૬૨.૦૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂા.૩૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસોની ઓનલાઈન ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે આરોગ્ય વિભાગની ૧૬ એમ્બ્યુલન્સોને ઝંડી આપી પ્રસ્થાન કરાવીને સુરત શહેર-જિલ્લામાં રૂા.૫.૫૪ કરોડના ખર્ચે ૬ ઓક્સિજન પ્લાન્ટનું વચ્યુર્અલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિસ્તારના દીકરા-દીકરીઓને ઘર આંગણે શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આદિજાતિ વિભાગ દ્વારા રૂા.૬૦.૨૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ જેટલા છાત્રાલયોનું પણ ઓનલાઈન ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

સ્વાગત પ્રવચન મેયર હેમાલીબેન બોધાવાલા તથા આભારવિધી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલે આ વેળાએ કરી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પ્રભુભાઈ વસાવા, પૂર્વ મંત્રીઓ તથા ધારાસભ્યો, મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષો, કોપોરેટરો, અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: