
સુરત
દેશમાં માર્ચ મહિનામાં શરૂ થયેલી કોરોના મહામારીના ૦૯ મહિના બાદ રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહ સાથે ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ શાળામાં પુન:પ્રવેશ કરી રહ્યાં છે. પહેલાંની જેમ જ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર સ્કુલ શરૂ થવાનો આનંદ જોવા મળ્યો હતો.
સુરત શહેર અને જિલ્લામાં તમામ વિદ્યાર્થીઓએ સરકારની સત્તાવાર કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકિંગ અને સેનેટાઈઝ કર્યા બાદ જ શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નવી ઊર્જા અને જોમજુસ્સા સાથે ઉત્સાહભેર શાળામાં આવ્યાં હતાં. ક્લાસરૂમોમાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીત બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. વિદ્યાર્થી, શિક્ષકો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શિક્ષણકાર્યમાં જોતરાઈ ગયાં હતાં.
શાળા સંચાલકોએ સ્કૂલો શરૂ કરતાં અગાઉ પ્રત્યેક વર્ગખંડને સેનિટાઇઝ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી.