
આગામી વર્ષમાં એક લાખ યોગ ટ્રેનરો તથા ૨૫ હજાર યોગ વર્ગો શરૂ કરવામાં આવશે : રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી
સુરત
ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર-પ્રસાર કરવાના આશયથી કામરેજ તાલુકાના દાદા ભગવાન મંદિર ખાતે આયોજીત ત્રિ-દિવસીય યોગ તાલીમ શિબિરને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ખુલ્લી મૂકી હતી. સાથે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલ પણ જોડાયા હતા.
સુરતના આંગણે દક્ષિણ ગુજરાતના સુરત સહિત ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી અને વલસાડના જિલ્લાઓના યોગ ટ્રેનર તથા કોચને તા.૨૧,૨૨ અને ૨૩મી ત્રણ દિવસ તાલીમબદ્ધ કરીને યોગનો પ્રસાર કરવા માટેની ભૂમીકાથી તેઓને માહિતગાર કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને ભારતે આપેલી અણમોલ ભેટ એવા યોગને જન જન સુધી લઈ જવા માટે રાજય સરકારે યોગ બોર્ડની રચના કરી છે. યોગના માધ્યમથી વડાપ્રધાનશ્રીના ફીટ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ કોઈને સ્વસ્થ ગુજરાતની દિશામાં જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ વેળાએ યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં ૭૫૦ યોગ કોચ તથા ૧૫ હજાર યોગ ટ્રેનરો તૈયાર થઈ ચુકયા છે. હાલમાં પાંચ હજાર યોગ વર્ગો ચાલી રહ્યા છે. આવનાર વર્ષોમાં રાજ્યમાં એક લાખ યોગ ટ્રેનરો બને અને ૨૫ હજાર જેટલા યોગ વર્ગો શરૂ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી. યુવાનોને યોગ ટ્રેનર બનવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ ટ્રેનરથકી પોતાની સ્વસ્થતાની સાથે રોજગારીનું સર્જન પણ થશે. આગામી સમયમાં યોગ બોર્ડ ગામદીઠ પાંચ ટ્રેનરોને મહિનાની તાલીમ આપવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમરે પણ યોગથકી લોકો માનસિક રીતે સ્વસ્થતાથી સાથે નવી એનર્જીનો સંચાર થાય છે જેથી સૌ કોઈને યોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ શિબિરમાં ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, મામતલદારશ્રી મહેશ પટેલ, નિર્મીષાનંદજી મહારાજ તેમજ યોગ બોર્ડના યોગ કોચ તથા યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ, યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.