લાજપોર જેલ ખાતે કેદીઓ અને તેમના પરિજનો માટે અનોખી સુવિધાઓનો કરાયો શુભારંભ

લાજપોરથી સુરત શહેરને જોડતી સીટીબસ સેવા તથા બંદિવાનોના સ્વાસ્થ્ય માટે આધુનિક સુવિધાસભર એમ્બ્યુલન્સને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન

77
Inauguration of Facilities For Inmates and Their Families at Lajpore Jail-suratheadlines

લાજપોર જેલથી શહેરમાં આવાગમનની સુવિધા સાથે સમય અને નાણાની બચત થશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,

સુરત
સુરત જિલ્લા આયોજન મંડળના અનુદાનમાંથી રૂા.૧૫ લાખના ખર્ચે લાજપોર મધ્યસ્થ જેલના બંદિવાનો માટે આધુનિક સુવિધાસભર એમ્બ્યુલન્સ વાન તથા સુરત મહાનગરપાલિકા દ્વારા લાજપોરથી સુરત શહેરને જોડતી સીટીબસ સેવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Harsh Sanghavi at Lajpore Jail-suratheadlines

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને તેમના હુન્નર મુજબ યોગ્ય તાલીમ મળી રહે તે માટે હીરા ઉદ્યોગ, સાડીમાં સ્ટોનનું વર્ક, વોકેશનલ ટ્રેનિગ, બેકરી જેવી ગૃહઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના કારણે તેમના કૌશલ્યથકી જેલની બહાર નીકળ્યા બાદ સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકશે.

Inauguration of Facilities For Inmates and Their Families at Lajpore Central Jail-suratheadlines

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, બસ સેવા શરૂ થવાથી બંદિવાનોના પરિવારજનો માટે લાજપોર જેલથી શહેરમાં આવવા-જવાની સુવિધા સાથે સમય અને નાણાની બચત થશે. સાથે નવી એમ્બ્યુલન્સ વાન મળવાથી કેદીઓને બિમારીના સમયે ઝડપથી સારવારની સુવિધા પ્રાપ્ત થશે. આગામી સમયમાં લાજપોર જેલ ખાતે કેદીઓના પરિવારજનોને બેસવા માટેની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

કૃષિમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લાજપોર જેલમાં અનેક કેદીઓએ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષણ મેળવીને તેઓ સમાજમાં માનભેર જીવન જીવી શકે તે માટે જેલમાં કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓની વિગતો તેમણે આપી હતી. આ અવસરે મંત્રીઓએ નવસારી સબજેલ ખાતે જેલ આવાસો તથા બગીચાના લોકાર્પણની તકતીઓનું અનાવરણ કર્યું હતું.

Inauguration of Unique Facilities For Inmates and Their Families at Lajpore Central Jail-suratheadlines

મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તથા ઝંખનાબેન પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અમીત રાજપુત, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જેલના અધિક પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન.રાવ, લાજપોર જેલના અધિક્ષક મનોજ નિનામા, પોલીસ અધિકારીઓ તેમજ નગરજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: