આંબાના પાકમાં થતાં રોગોથી બચવા ભલામણ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતની ઉપયોગી કૃષિ ભલામણ

60
Useful Agricultural Recommendation of Krishi Vigyan Kendra Surat-suratheadlines

સુરત
દક્ષિણ ગુજરાતમાં પડેલાં કમોસમી વરસાદ તેમજ વાતાવરણમાં થયેલાં અચાનક ફેરફારને પરિણામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના પાક સંરક્ષણના નિષ્ણાંત કૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.કે.ચાવડા, તેમજ વિસ્તરણ વૈજ્ઞાનિક ડો.આર.કે.પટેલ દ્વારા ઉપયોગી ભલામણ કરવામાં આવી છે.

ભલામણ અનુસાર આંબાના પાકમાં પુષ્પવિન્યાસ પર પાણીનું આવરણ રચાય છે, જેને પરિણામે આંબાના પાકને મહત્તમ નુકસાન પહોંચાડતા રોગો જેવા કે કાલવ્રણ (એન્ટેકનોઝ) તેમજ ભૂકી છારા (પાવડરી મિલ્ડયુ)ના પ્રમાણમાં ખુબ જ ઝડપથી વધારો થવાની શક્યતા છે. જો આ રોગોના પ્રમાણમાં વધારો થાય તો પાકના ઉત્પાદન પર ખુબ જ માઠી અસર થઈ શકે છે. જેથી આ રોગના નુકસાનથી પાકને બચવા માટે ખેડૂતોને હેકઝાકોનાઝોલ પાંચ ટકા ઈ.સી.૧૫ મિલી દવાનું ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. જેથી પાકને રોગોના ઉપદ્રવથી બચાવી શકાય. આ ઉપરાંત આંબાવાડિયામાં મધિયાનો ઉપદ્રવ જણાય તો ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. દવા ૧૦ લિટર પાણીમાં ૩ મિલી પ્રમાણે ભેળવીને છંટકાવ કરવો.

આ ઉપરાંત શાકભાજી પાકોમાં પણ સુકારો, ભૂકીછારો તેમજ અન્ય રોગોના પ્રમાણમાં ખુબ જ ઝડપથી વધારો થવાની શક્યતાઓ રહેલી હોય, સાવચેતીના ભાગરૂપે રોગની શરૂઆત જણાય તો સુકારાના રોગ માટે ટ્રાયકોડર્મા વિરીડીનું સંવર્ધન કરીને અથવા કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વે. પા. ૧૫ ગ્રામ દવા પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ગુવાર અને અન્ય શાકભાજી પાકોમાં આવતા ભૂકીછારાના રોગ માટે હેકઝાકોનાઝોલ ૫ ટકા ઈસી ૧૫ મિલી દવા પ્રતિ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. વધુ માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતનો સંપર્ક કરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતની યાદીમાં જણાવાયું છે.

Share This: