
ન્યુ દિલ્હી
ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર હવે ભારતમાં ઝડપથી વધતી જાવા મળી રહી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૦૦૦ની ઉપર પહોંચી ગઈ છે, જ્યારે મોતનો આંક ૨૦૦ને પાર કરવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચ એ દેશને ભયાનક ખતરાનો સંકેત આપ્યો છે.
છેલ્લા કેટલાક સપ્તાહમાં ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચ તરફથી દેશભરના અલગ-અલગ જિલ્લાઓથી લેવામાં આવેલા કોરોના વાયરસના નમૂનાઓ અને તેની કેસ હિસ્ટ્રીની જાણકારીમાં જે આંકડા સામે આવ્યા છે તેનાથી દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચએ થોડાક દિવસો પહેલા કહ્યું હતું કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો ખૂબ ઓછો છે.
ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચની ટીમે ૧૫ ફેબ્રઆરીથી ૨ એપ્રિલ સુધીના કોવિડ- ૧૯થી સંક્રમિત ૫૯૧૧ દર્દીઓના નમૂનાઓની તપાસ કરી. તેમાંથી ૧૦૪ દર્દી કોરોના પોઝિટિવ સામે આવ્યા. આ તમામ દર્દી ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૨ જિલ્લામાંથી હતા. તપાસમાં આ પોઝિટિવ કેસોમાંથી ૪૦ દર્દીઓએ ક્યારેય વિદેશ યાત્રા નથી કરી અને ન તો તેમનો સંબંઘ ક્યારેય કોઈ વિદેશી પ્રવાસ સાથે રહ્યો. ૧૫ રાજ્યોના ૩૬ જિલ્લાઓમાં આવા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ જાવા મળ્યું જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
ગુજરાતમાં ૭૯૨ ગંભીર રીતે બીમાર લોકોની તપાસ કરવામાં આવી. તેમાંથી ૧૩ કેસ કોરોના પોઝિટિવ હતા. તમિલનાડુમાં ૫૭૭ દર્દીના નમૂનાઓની તપાસ કરવામાં આવી જેમાંથી ૫ દર્દીમાં કોવિડ-૧૯ સક્રિય હતો. મહારાષ્ટ્રમાં ૫૫૩ દર્દીઓમાંથી ૨૧માં કોરોના પોઝિટિવ હતા. આવી જ રીતે કેરળમાં ૫૦૨માંથી ૧ દર્દી કોરોના પોઝિટિવ મળ્યો.
ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં આ પ્રકારના દર્દી વધુ જાવા મળી રહ્યા છે ત્યાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાના ખતરાને લઈને ઇન્ડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચએ જ્યારે ૧૪ માર્ચે પોતાનો પહેલો રિપોર્ટ આપ્યો હતો ત્યારે તેમણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ખતરાને બિલકુલ નકારી દીધો હતો પરંતુ હવે જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તે સારા સંકેત નથી આપી રહ્યો.