કોરોના વાયરસના કારણે ઈટાલી બરબાદીના રસ્તે પહોંચી ગયું

283

મિલાન
કોરોના વાયરસના કારણે ઈટાલી બરબાદીના રસ્તે પહોંચી ગયું છે. એક ઝટકામાં આખો દેશ વીરાન થઈ ગયો છે. હસતા-રમતા ૧૧ હજાર લોકોના મોત થઈ ગયા છે. ૯૦ હજારથી વધારે લોકો જીવન-મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મિલાન ઈટાલીના તે લોમ્બાર્ડી રાજ્યનું પાટનગર છે. જ્યાં માત્ર ૩૭ દિવસમાં ૬ હજારથી વધારે લોકોના મોત થયા છે.

ઈટાલીમાં લોકડાઉન થતાં જ લોકો ટ્રેનોમાં ભરાઈને બીજી જગ્યાએ ભાગ્યા, તેના કારણે આખા દેશમાં ઈન્ફેક્શન ફેલાયું.ઈટાલીમાં કોરોના વાયરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈટાલીમાં ઓફિશિયલ લોકડાઉન કરવામાં નહતું આવ્યું. પરંતુ લોકોએ આ વાતને ખૂબ હળવાશથી લીધી. જ્યારે અહીં લોકોના મોત થવા લાગ્યા ત્યારે સરકારે લોમ્બાર્ડી અને મિલાનને રેડ ઝોન ડિક્લેર કરી દીધો. ૮ માર્ચે લોમ્બાર્ડીમાં પહેલીવાર ઓફિશિયલી લોકડાઉન કરવામાં આવ્યું. તો પણ લોકો ન સમજ્યા. લોકડાઉનથી બચવા માટે હજારો-હજારો લોકો ટ્રેનોમાં ભરાઈને સાઉથ ઈટાલી તરફ ભાગવા લાગ્યા હતા.

આ તેમની મોટી ભૂલ સાબીત થઈ. તેના કારણે કોરોના આખા દેશમાં ફેલાઈ ગયો હતો. મજબૂરીમાં સરકારે બીજા જ દિવસે એટલે કે ૯ માર્ચે સમગ્ર દેશને લોકડાઉન કરવો પડ્યો હતો. તેમ છતાં લોકો ન માન્યા. ભૂલ પર ભૂલો કરતા રહ્યાં. હવે સ્થિતિ સંભાળી શકાય એવી પણ નથી રહી. તેના કારણે ઈટાલીમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે. લોકોએ લોકડાઉન ન માન્યું તો સરકારે નિયમો કડક કરી દીધા હતા. પહેલાં અહીં ક્વોરન્ટીન નિયમ તોડવામાં આવતા તો ૩૫૦ યુરોનો દંડ કરવામાં આવતો હતો, જેને હવે વધારીને ૫ હજાર યુરો કરી દેવામાં આવ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવાની સંપૂર્ણ મનાઈ છે.

જે લોકો સુપર માર્કેટ, ફાર્મસી અથવા હોસ્પિટલમાં કામ કરે છે તે લોકો જ ઘરની બહાર નીકળી શકે છે. સ્કૂલ, કોલેજ, ઓફિસ બધુ બંધ છે. પાર્કમાં રનિંગ માટે પણ જઈ શકાય એમ નથી. ઘરનો જરૂરી સામાન લાવવા માટે પણ પરિવારના એક સભ્યને જ સુપર માર્કેટ જવાની મંજૂરી આપવામાં આવી છે. ઘરેથી બહાર નીકળતી વખતે સરકારે આપેલું એક ડોક્યુમેન્ટ ભરવાનું હોય છે. પરત આવીને તેમાં સહીને કરીને તે પોલીસને આપવાનું હોય છે. પોલીસ દરેક વખતે ચેકિંગ કરે છે. કારણવગર બહાર ફરનાર લોકોને દંડ ભરવો પડે છે.

Share This: