દેશમાં કોરોનાનો રેકોર્ડબ્રેક છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૩૫ કેસ, ૪૦ લોકોના મોત

244

ન્યુ દિલ્હી
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ભારતમાં કોવિડ-૧૯ થી અત્યાર સુધી ૨૩૯ લોકોનાં મોત નીપજ્યાં છે અને કોરોના ચેપનાં ૭,૪૪૭ કેસ નોંધાયા છે. શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કુલ ૧,૦૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ કેસો અને મૃત્યુની સંખ્યા છે. જો કે, થોડી રાહત છે કે આ રોગથી અત્યાર સુધીમાં ૬૪૩ લોકો ઠીક થયા છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને તે ૧૪ એપ્રિલ સુધી રહેશે. આજે મહારાષ્ટ્રમાં ૯૨, ગુજરાતમાં ૫૪, રાજસ્થાનમાં ૧૮, કર્ણાટકમાં સાત, ઉત્તર પ્રદેશમાં છ અને ઝારખંડમાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે.

દિલ્હીમાં ઈલાજ માટે ચલાવવામાં આવતા ઓપરેશન શીલ્ડથી રાજધાનીના દિલશાદ ગાર્ડનને સંક્રમણમુક્ત કરવામાં સફળતા મળી છે.

કોરોના સંક્રમિત દર્દીઓના ઈલાજ માટે પૂર્વોત્તર રેલવેએ ૫૦ કોચને આઈસોલેશન વોર્ડમાં તબદિલ કર્યા છે. ૩૮ જેટલા સામાન્ય કોચોને અને લખનઉ સ્થિત એશબાગ કોચિંગ ડિપોમાં ૧૨ સામાન્ય કોચને ફક્ત પાંચ દિવસમાં આઈસોલેશન વોર્ડમાં તબદિલ કર્યા છે.

Share This: