ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની વયે નિધન

કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના બે ટર્મ સુધી રહ્યા હતા મુખ્યમંત્રી

101
Former Uttar Pradesh Chief Minister Kalyan Singh Dies at 89-suratheadlines

PM મોદી સહીત અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો,

કલ્યાણસિંહના નિધનથી ભાજપાએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું : CM રૂપાણી,

નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું લખનઉમાં સેપ્સિસ અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે 89 વર્ષની વયે નિધન થયું છે.

કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના અત્રૌલી નગરમાં જન્મ પામ્યા હતા. તેઓ સૌપ્રથમ 1967 માં રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને બે વખત સાંસદ સભ્ય પણ રહ્યા હતા. સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એસજીપીજીઆઈએમએસ) ના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં 4 જુલાઈથી ઈન્ફેક્શન સાથે દાખલ થયા બાદ તેઓ સારવાર હેઠળ હતા. શુક્રવારે તેમની તબિયત બગડી હતી. જેને પગલે તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. વરિષ્ઠ રાજકારણીને એસજીપીજીઆઈએમએસમાં પહેલા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અગાઉ, રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહને હોસ્પિટલના નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, એન્ડોક્રિનોલોજી અને ન્યુરો-ઓટોલોજી વિભાગના નિષ્ણાતોની પેનલ રચવામાં આવી હતી. 23 જુલાઈના રોજ, હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેમની સ્થિતિ નાજુક છે અને તે લાઈફ સપોર્ટ પર છે. તેના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે “ભારતભરમાં અસંખ્ય લોકો કલ્યાણ સિંહ જીની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે”.

કલ્યાણ સિંહ ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશના બે વાર મુખ્યમંત્રી રહ્યા હતા. પ્રથમ ટર્મ જૂન 1991 થી ડિસેમ્બર 1992 અને દ્વિતીય ટર્મ સપ્ટેમ્બર 1997 થી નવેમ્બર 1999 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

6 ડિસેમ્બર, 1992 ના રોજ અયોધ્યામાં લાંબા સમયથી વિવાદિત બાબરી મસ્જિદને તોડવા માટે તેમનો પ્રથમ કાર્યકાળ યાદ કરવામાં આવે છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં આઘાત ફેલાવ્યો હતો અને આધુનિક ભારતના સામાજિક-રાજકીય ઈતિહાસમાં એક સીમાચિહ્ન તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે.

કલ્યાણ સિંહે તોડી પાડ્યા બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જ્યારે તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની સરકારે ઉત્તર પ્રદેશ સરકારને તે જ દિવસે બરતરફ કરી દીધી હતી.

PM મોદીએ કલ્યાણ સિંહ સાથેની તસ્વીર શેર કરી ટ્વીટ કર્યું હતું કે, “દુખની આ ઘડીમાં મારી પાસે શબ્દો નથી. કલ્યાણ સિંહ જમીન સાથે જોડાયેલા મોટા રાજનેતા અને કુશળ સંચાલક સાથે-સાથે એક મહાન વ્યક્તિત્વવાળા સ્વામી હતા. ઉત્તર પ્રદેશના વિકાસમાં તેમનું યોગદાન અમીટ છે.”

વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, “ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધિ કરવામાં કલ્યાણ સિંહે મહત્વની ભૂમિકા નિભાવી હતી. દેશની દરેક પેઢી તેમના માટે આભારી છે. ભારતીય મૂલ્યોમાં તેઓ રચિત હતા અને શતકો જુની પરંપરાઓ ઉપર તેમને ગર્વ હતો. કલ્યાણ સિંહ સમાજના નબળાં અને વંચિત વર્ગના લોકોનો અવાજ હતા. તેમણે ખેડૂતો, યુવાનો અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે અમૂલ્ય પ્રયાસો કર્યા છે. તેમનો સમય સમર્પણ અને સેવાભાવ લોકોને હંમેશા પ્રેરિત કરશે” તેમ PM મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપાના વરિષ્ઠ અગ્રણી કલ્યાણસિંહના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કલ્યાણસિંહના નિધનથી ભાજપાએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના” તેમ CM રૂપાણીએ જણાવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, નવી દિલ્હી.

Share This: