હરિયાણામાં આઇસોલેશન વોર્ડમાંથી ભાગવા જતાં દર્દીનું મોત

258

પાનીપત
હરિયાણામાં આઇસોલેશનમાં રહેલ વ્યક્તિ અકસ્માતે મૃત્યુ પામવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હરિયાણાના એક ૫૫ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિને હોસ્પિટલના છઠ્ઠા માળે આઇસોલેશનમાં રાખવામા આવ્યો હતો જ્યાંથી તેણે ભાગી છૂટવાના પ્રયાસ કરતાં મોતને ભેટયો હતો.

આ વ્યક્તિ આજે સવારે ૪ વાગ્યે કરનાલની કલ્પના ચાવલા મેડિકલ કોલેજની બારીમાંથી પડી ગયો હતો ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. તેણે બેડશીટ અને પ્લાસ્ટિકના પેકેટનો ઉપયોગ કરીને દોરડું બનાવ્યું હતું અને નીચે ઊતરવાની કોશિશ કરી રહ્યો હતો તેમ પોલીસે જણાવ્યુ હતું.

પાણીપતનો રહેવાસી વ્યક્તિ ૧ એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તે આઇસોલેશન વોર્ડમાં હતો. ડોકટરોના જણાવ્યા મુજબ તેને ઘણી બિમારીઓ હતી તેમજ કોવિડ-૧૯ના લક્ષણો ન હોવા છતાં તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. આ મૃતકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ પ્રકારની ઘટનાથી આઇસોલેશન વોર્ડની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હરિયાણામાં કોરોના વાઇરસના કુલ ૮૪ કેસ નોંધાયા છે.

Share This: