રવિ શાસ્ત્રી બોલિવૂડની બિન્દાસ ગર્લ અમૃતા સિંઘને કરતા હતા પ્રેમ..?

નવી દિલ્હી
બોલિવૂડની દુનિયામાં લિંક-અપ અને બ્રેક-અપ સામાન્ય બાબત હોય છે. બોલિવૂડ અને ક્રિકેટની દુનિયાના લોકો વચ્ચેના અફેર પણ ઘણી વાર સામે આવતા હોય છે. આ અફેરની વાતો આજકાલની નથી પણ દાયકાઓથી ચાલતી આવે છે. આવો જ એક ચર્ચિત સંબંઘ ભારતીય ક્રિકેટના એ જમાનાના સુપર સ્ટાર અને અત્યંત સોહામણા રવિ શાસ્ત્રી અને બોલિવૂડની એક્ટ્રેસ અમૃતા સિંઘ વચ્ચે હતો. રવિ શાસ્ત્રી આજે ભારતીય ક્રિકેટ ટીમનો ચીફ કોચ છે જ્યારે અમૃતાસિંઘે ત્યાર બાદ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. જો કે બંને વચ્ચે ડિવોર્સ પણ થઈ ગયા છે. અમૃતા તેના બિન્દાસ અંદાઝ માટે હંમેશાં જાણીતી રહી છે અને ચર્ચામાં રહી છે.

રવિ શાસ્ત્રી મેદાન પર ભલભલા બોલર્સને આસાનીથી ફટકારવા માટે જાણીતો હતો પરંતુ અમૃતાસિંઘ સામે તે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બંને વચ્ચે ડેટિંગ ચાલતું હતું અને લગ્ન કરી લેશે ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી. જો કે બંનેના સંબંધો લગ્ન સુધી પહોંચે ત્યાં તો બ્રેક-અપની વાત સામે આવી ગઈ હતી.

રવિ શાસ્ત્રી અને અમૃતાને ઘણી વાર પાર્ટીમાં સાથે જોવા મળતા હતા તો મેચ દરમિયાન અમૃતા પણ સ્ટેડિયમમાં આવીને શાસ્ત્રીને ચિયર કરતી રહેતી હતી. બંનેનો ફોટો એક જાણીતા મેગેઝિનના કવર પેજ પર પણ ચમક્યો હતો. આ ફોટોએ જ બંનેના સંબંધને સત્તાવાર માન્યતા આપી દીધી હતી. એવા પણ સમાચાર હતા કે ૧૯૮૬માં બંનેએ સગાઇ પણ કરી લીધી હતી. શાસ્ત્રીએ એક વાર આ અંગે જણાવ્યું હતું કે હું કોઈ એક્ટ્રેસને મારી પત્ની તરીકે જોતો નથી કેમ કે હું એવી પત્ની ઇચ્છું છું જેની પ્રાથમિકતા મારું ઘર હોય. જ્યારે અમૃતાએ જણાવ્યું હતું કે હુ અત્યારે મારા કરિયર પર ધ્યાન આપવા માગું છું એટલે આ સંબંધ આગળ ધપાવી શકતી નથી.

Share This: